Parul Sevashram Hospital

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલે ઇન્ફેક્શન કંટ્રોલ સપ્તાહની ઉજવણી કરતાં કર્મચારીઓ માટે રસીકરણ ઝુંબેશ યોજી

વડોદરાઃ હેલ્થકેર વર્કર્સને હિપેટાઇટિસ બી વાઇરસ (એચબીવી) ઇન્ફેક્શનનું જોખમ વધુ હોય છે. આ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલે કર્મચારીઓ, દર્દીઓ અને મુલાકાતીઓને ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ વિશે શિક્ષિત અને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કર્મચારીઓ અને ડોક્ટર્સ માટે વિનામૂલ્યે રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું, જ્યાં તેમને હિપેટાઇટિસ બીની રસી અપાઇ હતી તથા તેમને ઇન્ફેક્શન વિશે મૂલ્યવાન જાણકારી અપાઇ હતી. 

ઇન્ફેક્શન કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પણ વિવિધ માહિતીસભર વિડિયો દ્વારા હાથ ધોવાની ટેક્નીક, સોયનો સુરક્ષિત નિકાલ, મોંજા, માસ્ક (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) પહેરવાની મહત્વતાને દર્શાવતાં વિવિધ સાક્ષરતા અને જાગૃકતા ફેલાવતી ઝુંબેશ હાથ ધરે છે.

હેલ્થકેર વર્કર્સ દર્દીઓ અને ઇન્ફેક્ટિવ સામગ્રીઓ સાથે સીધા સંપર્કમાં આવવાને કારણે તેમને વિવિધ બિમારીઓ અને સંભવિત ટ્રાન્સમિશનનું જોખમ હોય છે. આથી એચસીડબલ્યુ માટે રોગપ્રતિકારક શક્તિની જાળવણી અને નિવારણ તેમના ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ઇમ્યુનાઇઝેશન એજન્ટ્સના મહત્તમ ઉપયોગથી કર્મચારીનું આરોગ્ય સુરક્ષિત રહે છે તથા દર્દીઓને પણ ચેપ લાગવાથી સુરક્ષિત રાખી શકાય છે.

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર એકતા મોદીએ કહ્યું હતું કે, પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે અમારા કર્મચારીઓ અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. નિયમિત ધોરણે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામથી જોખમ ઘટે છે તથા કર્મચારીઓને તેમની સલામતી વિશે શિક્ષિત કરી શકાય છે.